કેરી નું શાક 2003
નામ સાંભળતા ની સાથે જ મો માં પાણી આવી જાય.... મને પણ બહુ જ ભાવતું કેરી નું શાક...
વાત છે 2003 ની મારા મિત્ર રતિલાલ ના લગ્ન ની લગ્ન કોટા બાજુ ના નાના એક ગામ માં હતા ઉનાળા નો સમય હતો.. આંબલીયાસન થી કોટા એટલે લગભગ 24 કલાક નો રસ્તો.. જાન લઈને જવાનું એટલે સાથે જમવાની વ્યવસ્થા કરવી પડે વળી પાછુ ટ્રેન માં જવાનું.. ઉનાળા માં લાંબો સમય ચાલે એવું એક જ શાક એટલે કેરી નું શાક.... બન્યું એવું કે સવારે લગભગ 11 વાગે ટ્રેન હતી ... ગાડી માં જમવા માટે કેરી નું શાક અને પૂરી સાથે લીધી હતી.... પ્રથમ રાઉન્ડ માં અમે અને બીજા ગેસ્ટ બધા એ હરખી હરખી ને ખાધું ... સમય એવો હતો અને 24 કલાકે પહોચવાના હતા એટલે બીજો રાઉન્ડ પણ કેરી નું શાક... ટ્રેન માં સફર હતી એટલે એનો એક આનંદ અલગ હોય છે મસ્તી કરતા વાતો કરતા ગીતો ની રમઝટ સાથે કોટા રેલ્વે સ્ટેશન પર ઉતર્યા... ત્યાંથી લગભગ 1 કલાક નો બીજો રસ્તો હતો જે ખાનગી વાહનો દ્વારા જવાનું હતું.. કાચો રસ્તો હતો. ધૂળ ની ડમરીઓ ઉડતી હતી. ખાડા ખૈયા માંથી પસાર થતાં થતાં છેવટે જાન માંડવે પહોંચી. હાશ થઇ. ત્યાં પહોચીને બધા નાહી ધોઈ ને તૈયાર થયા બપોર પડી એટલે બધા જમવા માટે નું આમંત્રણ આવ્યું. ફરીથી જમવાનું મેનુ એજ કેરી નું શાક, પૂરી અને મોહનથાળ.. હવે એ શાક જોઈને જે મોમાં પાણી આવતું હતું તે બંધ થઈ ગયું... પણ ખાધા વગર છૂટકો ન હતો... બપોર નું લંચ પૂરું કર્યું થોડો આરામ કર્યો.. અને પછી લગ્ન ના પ્રસંગ ચાલુ થયા... અમે અમારી ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી માં તલ્લીન થઈ ગયા... સાંજે ફરીથી ડિનર નો ટાઇમ અને એજ કેરી નું શાક... હવે ધીરે ધીરે કેરી ના શાક પ્રત્યે અણગમો થવા લાગ્યો.. રાત્રી ના લગ્ન હતાં. ઉલ્લાસ ભેર લગ્ન પૂરા થયા અને સવારે વિદાઈ થઈ... થયું કે ચલો હવે 24 કલાક માં ઘેર પહોંચી જઈશું. ત્યાંથી માંડવા પક્ષ તરફ થી રસ્તા માં જમવા માટે પાર્સલ પેક કરી ને આપ્યા... અને હવે તમે સમજી ગયા હશો કે તેમાં શું હશે... એજ કેરી નું શાક... લગભગ છેલ્લા 6 ટંક થી માત્ર કેરી નું શાક શું વીતી હશે તેનો વિચાર માત્ર આજે આવે તો પણ મોઢું ખાટું થઈ જાય છે... પણ સફર અહી પૂરી નથી નથી બીજા દિવસે સવારે આંબલીયાસન પરત આવ્યા ઘેર આવી ને થોડી વિધિ હોય છે તેની ફોટોગ્રાફી કરી અને પોતાના ઘરે આવવા નીકળ્યા... મન માં વિચાર આવતા હતા કે હાશ 3 દિવસે પોગ્રામ અને કેરી ના શાક માંથી છુટકારો મળ્યો ઘરે જઈને કંઈક સ્વાદિષ્ટ અને ગમતું ખાવાનું મળશે... આ વિચાર સાથે ઘરે પહોંચ્યા... નાહી ને ફ્રેશ થયા જમવાનું લગભગ તૈયાર થઈ ગયું હતું... એક ઉત્સાહ હતો કે આજે કંઈક અલગ અને સારું જમવાનું મળશે અમે દેશી પંગત માં બેસીએ તેમ ગોઠવાઈ ગયા.. થાળી અમારી આગળ મૂકવામાં આવી અને શાકનો પહેલો ચમચો મારી થાળી માં ઠલવાયો... અને આંખો પહોળી ને પહોળી રહી ગઈ હું અને મનીષ એક બીજાની સામે જોઇ રહ્યા.... અને ખડખડાટ હસી પડ્યા.... ઘરના અચંબામાં હતા કે શું થયું... અને અમારા મોમાં થી એ ક જ ઉદ્દગાર નીકળ્યો.... આજે પણ કેરી નું શાક...... જ્યારે જ્યારે હવે કેરી નું શાક દેખાય છે ને આ પ્રસંગ યાદ કરીને ખડખડાટ હસીએ છીએ....
આવા ઘણા બધા પ્રસંગો સાથે અમે અવાર નવાર આપની સામે ઉપસ્થિત થતાં રહેશું.... તમારી કૉમેન્ટ ખાસ લખજો...
Comments
Post a Comment